પરમાળ સ્મિતથી શોભતું, સહુને વ્હાલું લાગે તેવું એમનું વ્યક્તિત્વ પરોપકારથી મઘમઘતું હતું. સંસ્કૃત સાહિત્યમાં એક સહુક્તિમાં સજ્જનને શેલડીનાં સાંઠા સાથે સરખાવ્યો છે, કારણકે સજ્જન પારકાને માટે પીડા વહોરી લે છે અને ભાંગવા છતાં શેલડીના સાંઠાની માફક મધુર જણાય છે. બાબુભાઈના હુલામણા નામે કુટુંબીઓ અને આપ્તજનોમાં જાણીતા પૂ. ડોક્ટરસાહેબ એમના અનેકાએક પ્રગટ અને અપ્રગટ સેવાકાર્યોથી સમાજમાં અને સજ્જનોના હૃદયમાં સુપ્રતિષ્ટિત થયા હતાં.
સૌપ્રથમ જયારે અહીં અમદાવાદમાં નિવાસ માટે આવ્યા તયારે પ્રિય પ્રવીણભાઈ દ્વારા, અમારા પુણ્યની પરિપાક રૂપે એમનાં દર્શન અને પરિચય થયા.પહેલા જ દર્શને એક ઉદારચરિત મહાનુભવ તરીકે ની છાપ અમારા ચિત્ત ઉપર અંકિત થઇ. એ અમારી વિદ્યાર્થી અવસ્થા હતી એટલે F.R.C.S. પેહલેજ પ્રયત્ને પસાર કરનાર, આંગળીને વેઢે ગણી શકાય તેવા અત્યંત કુશળ ભારતીય ડૉક્ટર તરીકે તે અમારું મન જીતી ગયા.એ પછી એમની સુવાસ નગરમાં ફેલાતી ગઈ. એમની અલ્પસાધન દર્દીઓ તરફની હમદર્દી અને ઉદારતા ની તો કોટીશ: વાતો આપણે સાંભળી છે, એમણે કરેલા ગુપ્તદાન એમણે આજીવન ગુપ્ત રાખ્યા અને ક્યાંક ક્યારેક જાણવા, અનુભવવા મળ્યા ત્યારે આ ઘડીયે પણ સાદર રોમાંચિત થયા વગર રહેવાતું નથી.
એ વખતે ’60 નવેમ્બર માં મારા પિતાજી એન્લાર્જડ [પ્રોસ્ટેટ ની તકલીફ થી પીડિત હતા. પોતે ઘેર આવી વિના મુલ્યે એમને તપાસી માર્ગદર્શન આપ્યું. હમણાંજ ચિ. સંજુની સગાઈ વખતે મમતાભર્યા સ્પર્શ સાથે સૌ. હર્ષા ને સૂચવ્યું કે ડાયેટિંગ કરી વજન ને કાબુ માં જરૂર રાખો, પણ અશક્તિ આવે એટલી હદે તે કરવું નહી. પોતે હૃદયરોગનો હુમલો અનુભવી ચુક્યા હતા છતાં 8:00 પ્રાતઃ થી સાયં 8:00 સુધી on his legs-જનસેવા અથાક કરતા અને હૃદયરોગીએ કેવી પ્રફુલ્લતાથી જીવવું એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું. જ્હોન કેનેડી ની માફક એમને પણ એક profile encourage-બહાદુરી ના જીવંત, જ્વલંત અને પ્રત્યક્ષ ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીયે!
ગુજ યુનિ ની સેનેટ/ સિન્ડિકેટ માં કર્મચારી/શિક્ષક/મેનેજમેન્ટ ત્રણે નો વિશ્વાસ સંપાદિત કરીને ત્રણે ના પ્રશ્નોના સહાનુભૂતિપૂર્વક ના ઉપાયો હાથ ધરી માનભર્યા એગ્રીમેન્ટ્સ મનભરી સહમતિ તેઓ સાધી આપતા એનું રહસ્ય એમના નિ:સ્વાર્થ અભિગમમાં જોવા મળે છે. આ બધા પ્રયત્નોમાં કેવળ વિદ્યાનું હિત જળવાય, યુનિવર્સિટીનું સત્વ વધે એ દિશા માંજ એમના પ્રયત્નો પ્રવર્તિત થયા હતા. ન તેમણે અંગત સમયના કે ધનના કે શક્તિના વ્યયનો કદી હિસાબ મંડ્યો કે ના તેમણે ક્યારેય ખોટી પ્રતિષ્ઠાની મમત રાખી. ઘણા શિક્ષણશાસ્ત્રીઓ/ નેતાઓને જયારે આપણે deception and self deceptionપ્રતારણા અને આત્મપ્રતારણાની લીલામાં રંગાયેલા જોઈએ છીએ.
એમના પરિશુદ્ધ, વિરલ, નિર્મમ વ્યક્તિત્વની જાહેરમાં સ્તુતિ કર્યા વગર રહી શકાતું નથી અને આ બધું આમે અત્યરે એમના નિધન પછી એટલા માટે બોલીયે છીએ કે એમની હાજરી માં તો કોઈ પણ પ્રશંસા એ વેઠી શકે તેમ હતા જ નહી. અને તેમની અનુપસ્થિતિ માં, વડીલ ગુમાવ્યાના રંજમાં એટલું અભિવ્યક્ત કર્યા વગર અમે રહી પણ શકતા નથી.
84 માં વિદેશ જવા માટે યુનિ.એ એમને ડેપ્યુટ કર્યા ત્યરે એનો અર્ધો ખર્ચ સમાજ/કોઈ પણ જાહેર ટ્રસ્ટ ઉપાડે એવી શરત હતી. અમે કોઈ એવા ટ્રસ્ટ ને ઓળખતા પણ ન હતા અને એવા કોઈ પાસે જતાં અમને ક્ષોભ પણ થતો હતો. પણ અમારે માટે, જેમ બીજા કેટલાય ગુણી જનો માટે પૂ.બાબુભાઇ પોતેજ એક સંસ્થા હતા. અમે એમને પરિસ્થિતિ સમજાવી અને એમને એ પાર પડી આપી. આવા તો કેટ કેટલા સત્કર્મો ગણાવીશું. ટૂંકમાં “यशः शरीरेण मृतः स जीवति" એમના અજરામર યશરૂપી શરીરથી તેઓ વિદેહ થયા પછી પણ જીવંત છે. અમારા હૃદયોમાં એમને કોટિ કોટિ પ્રણામ અને જે કુટુંબમાં એમને જન્મ લીધો એ આખા કુટુંબને, તેની એક એક વ્યક્તિ ને પણ અનેક પ્રણામ કારણ કે, સ્વલ્પ પુણ્ય થી અમારો એમની આઠે સમાગમ થયો હતો તો આ કુટુંબીઓ તો કેટલા મોટા પુણ્યનું ભાથું લાવ્યા હશે કે જેથી એમના ભાઈ,ભાંડુ, પત્ની,સંતતિ વગેરે રૂપે જન્મ પામ્યાં ? અને એમના પૂજ્ય માતા/ પિતા ને પણ અમે પ્રણામ પાઠવીએ છીએ.
શાંતિ/પરમશાંતિ તો પ્રભુ એમને એમના સત્કર્મો ના હકકથી આપશેજ પણ અમારી તો પ્રાર્થના છે કે પુન: પન: જન્મ ધરી આ પૃથ્વીને મંડિત કરે અને પોપ્ર્કાર થી સજ્જનોનો ઉત્કર્ષ તેઓ સાધતા રહે.