એક સહ્રદયી કુશળ ડોક્ટર તરીકે તો ડૉ. શ્રી જયંતભાઈને હરિભક્તિને તો હું ઘણા વર્ષોથી જાણતો હતો. પરંતું ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ તરફથી અમદાવાદમાં હોસ્પીટલ શરૂ કરવાનું નક્કી થયું. અને એમને આ હોસ્પિટલના માનદ્ નિયામક તરિકે સેવા આપવાનું સ્વીકાર્યું ત્યારથી એમના વધુને વધુ પરિચયમાં આવવાની મને તક મળી.
ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટે અમદાવાદમાં શરૂ કરવા ધારેલ હોસ્પિટલ આરોગ્યક્ષેત્રે રીસર્ચની દ્રષ્ટિએ મહત્વની પ્રવૃત્તિ હાથ ધરવાનું વિચાર્યુ. એના અનુસંધાને કેન્દ્રના સાયન્સ અને ટેકનોલોજી વિભાગે સ્વતંત્ર ટ્રસ્ટ નિર્માણ કરવાની સલાહ આપતા ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની રચના કરવામાં આવી. આટ્રસ્ટને એક પાયાના ટ્રસ્ટી, ઉપપ્રમુખ અને ફાઉન્ડેશન તરફથી શરૂ થનારા મેડીકલ રિસર્ચ સેન્ટરના માનદ્ નિયામક તરીકે ડૉ. શ્રી જયંતભાઈ હરિભક્તિની સેવાનો લાભ મળ્યો. એને હું ટ્રસ્ટ માટે ખુબ જ આનંદ અને સદભાગ્યની વાત લેખું છું.
જયંતભાઈ હરિભક્તિ તરફથી ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળને ખુબજ નિખાલસભાવ, સ્પષ્ટ દોરવણી મળતી રહી. મેડિકલ રીસર્ચ સેન્ટરના આયોજનમાં તેમના તરફથી ખૂબ જ અગત્યનું માર્ગદર્શન મળતું રહ્યું. બાંધકામ અને સજાવટની દ્રષ્ટીએ મેડિકલ રિસર્ચ સેન્ટર સંપૂર્ણતાને આરે પહોંચવા આવેલું. ફાઉન્ડેશનના અતિ મહત્વના સાહસ દ્વારા થોડાક વખતમાં તેનું ઉદઘાટન થતા માનદ્ નિયામક તરીકે ડૉ જયંતભાઈ હરિભક્તિની સેવા અને સુવાસનો લોકોને પ્રત્યક્ષ લાભ મળતો થશે, એવી અમારી સૌની હોંશભરી ઉમેદ હતી. પરંતું નબળા હ્રદયે પણ વરસોથી આરેગ્ય ક્ષેત્રે મહત્વની સેવા આપી રહેલા ડૉ. જયંતભાઈ હ્રદયે અચાનક દગો દીધો અને જયંતભાઈ હરિભક્તિ સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી. એમના કુટુંબને તેમજ સમાજને ભારે મોટી ખોટ પડી છે. પરંતું ફાઉન્ડેશનને તો ન પૂરાય તેવી ખોટ પડી છે.
ફાઉન્ડેશન તરફથી નિર્માણ થયેલ મેડિકલ રિસર્ચ સેન્ટરનું તાઃ 2જી ઓક્ટોમ્બર 1989ના રોજ ઉદ્ધાટન થયું અને બીજા જ દિવસથી આ કેન્દ્ર દ્વારા સેવા પ્રવૃત્તિઓનો મંગળ પ્રારંભ થઈ ચૂક્યો છે.
સદભાગ્યે અમદાવાદના ખ્યાતનામ એવા ડોક્ટરોની માનદ્ સેવા મેળવવામાં ફાઉન્ડેશનને સારી એવી સફળતા મળી છે. પરંતું અમને સદાય ડૉ. જયંતભાઈ હરિભક્તિ સાહેબની ખોટ વર્તાયા કરે છે. આ કેન્દ્રના એક એક વૃક્ષ દ્વારા કેન્દ્રની એક એક ઈંટ દ્વારા અને કેન્દ્રના સમગ્ર વાતાવરણમાં ડૉ. જયંતભાઈ હરિભક્તિ સાહેબના નિષ્ઠામય, અને સેવામય જીવનના પડઘા પાડતી પ્રવિણ સ્મૃતિ અમને પ્રેરણા અને બળ આપ્યા કરે છે.
એમના આત્માને પ્રભુ શાંતિ આર્પે તેવી પ્રાર્થના સાથે હું “સંચય” દ્વારા એમને ભાવપૂર્વક અંજલી આર્પુ છું.