પ્રિય જયંતભાઈને ‘બાબુભાઇ ‘ ના હુલામવા નામ થી જ સૌ ઓળખે. તેઓ માત્ર દેખાવે જ સુંદર હતા એટલું જ નહિ પણ સ્વભાવ થી જ એટલા સુંદર હતા.તેઓ એમજ માનતા કે માનવી નું માપ તેના બાહ્ય સૌંદર્ય થી નથી અંકાતું પણ તેની અંદર રહેલા ‘માનવતા’ ના સદગુણો વડેજ થાય છે.વિશ્વનું સૌથી ઉત્કૃષ્ટ સૌંદર્ય તે ‘માનવતા’ છે જેના પ્રભાવ થીજ જગતને સાંચી શાંતિ મળશે. અને આ મહાન સદગુણને લઈને જ તેઓ સૌ કોઈને, નાના, મોટા,ગરીબ, તવંગર ને ખૂબ પ્રિય થઈ પડ્યા હતા.
બાલ્યાવસ્થા થીજ ખૂબ તેજસ્વી, તેમના ગ્રુપમાં હંમેશ પ્રથમ આવે. 15 વર્ષની ખુબ નાની ઉમ્મર માં મેટ્રીક પાસ થાઈ. બાવીસમેં વર્ષે તો એમ.બી.બી.એસ ની પદવી લઇ લીધી. ડૉ.ચંદ્રચુડ,ડૉ. રમણભાઈ વિગેરે તે સમયના સેવા ભાવી ડોક્ટરોના સંસર્ગમાં આવ્યા બાદ તેમને પણ એક સેવાભાવી અને જ્વલંત કારકિર્દીવાળા સર્જન બનવા તમન્ના જાગી અને એફ.આર.સી.એસ થવા માટે લન્ડન ગયા.તે વખતે સ્ટેટ સબ્જેક્ટસ ને મેડીકલમાં એડમિશન લેવાનું ઘણું જ અઘરું અને ખર્ચાળ હતું છતાં પણ અનેકવિધ પ્રયત્નો કરી ઘણી જ હિંમત રાખી એડમિશન મેળવી ને ડોક્ટર ની પદવી લીધી. અને લન્ડનમાં પણ બે વર્ષના ટૂંકા ગાળા માં F.R.C.S. થઈ પરત સ્વદેશ પાછા આવ્યા, અને અમદાવાદને પોતાના ‘સેવા’ નું કેન્દ્ર બનાવી પૉલી કલીનીક માં ગુજરાતના એક અજોડ,પ્રથમ કક્ષાના યશસ્વી સર્જન તરીકેની કારકીર્દી શરૂ કરી. સાથે સાથે કુટુંબપ્રેમ પણ તેટલોજ. માતા પિતા માટે ખુબ ખુબ કરી છુટવાની ટેવ. પળે પળે તેમનું ધ્યાન રાખે. તે ઉપરાંત પોતાના નાના ભાઈ બ્હેનો માટે પણ અગાધ પ્રેમ. કુસુમબેન,સરલાબેન અને પ્રવિણભાઈ ને તો પિતા ની માફક ખુબ કાળજીથી આર્ટસ ગ્રેજ્યુએટસ અને સાયન્સ ગ્રેજ્યુએટસ કર્યા. જોકે પિતાજી હતા પણ તેઓ સર્વિસ અર્થે બહારગામ ફરતા હોવાથી બધી જ જવાબદારી તેમને ઉઠાવી લીધી હતી. આવા સ્નેહાળ અને પ્રેમાળ, સર્વના માટે તન, મન, અને ધન થી કરી છૂટવાની તત્પરતા વાળા ભાઈને હવે યાદ કરીને શું કરીએ. અકલ્પ્ય, અગમ્ય, અમાન્ય, અનંત યાત્રા પ્રતિ તુજ પ્રયાણ આંસુ આંખમાં સમાવા કેમ ? યુવાવસ્થાની શરુવાતથી જ ગાંધીવાદી, સુધારક વિચારના હતા. જ્ઞાતિ પ્રથા , તેમજ લગ્ન વખતે થતા ‘મોજાંણા’ તેમજ ‘મોસાળા’ ના વરઘોડામાં થતા લખલૂટ ખોટા ખર્ચના સખ્ત વિરોધી હતા, અને પોતાનાજ લગ્ન સમયે તદ્દન બધાજ ખાદીના વસ્ત્રો અને ટોપી પ્હેરી લગ્ન કરવા ગયેલા અને બધા વરઘોડા ના રિવાજ સૌપ્રથમ જ્ઞાતિમાં તેમણે જ બંધ કર્યા.
તેમણે મન ‘જનતા એ જ જનાર્દન’ ની ભાવના નસેનસમાં વણાયેલી હતી.સૌમાં એક જ પ્રભુ બિરાજે એ ભાવ રાખી પ્રત્યેક સામાન્ય માં સામાન્ય માણસ સાથે એટલોજ પ્રેમભર્યો વર્તાવ રાખતા. બઁગલા પાછળ ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબોની પણ જરૂર પડે શારિરીક નિદાન કરી મફત ઓપરેશન કરતા.એટલુંજ નહીં પણ જોઈતી તમામ દવાઓ, બિસ્કીટ્સ અને ફ્રૂટ્સ ના કરંડિયા પણ આપતાં. આવા તન, મન, અને ધન થી ગરીબોની સુશ્રુષા કરતા. તેમની અંતિમ વિદાય વખતે અમદાવાદની ગરીબ જનતા તો ગરીબોના ભગવાન આજે જતા રહ્યા એમ કહી રડી ઉઠી હતી.
‘રમે છે સૌની આંખો માં, રહે છે સૌનાં અંતરમાં,
વસે છે એ ઘરેઘરમાં, પણ નથી જડતાં કોઈ ઘરમાં’
જમણા હાથે આપેલું ડાબો હાથ પણ ન જાણે તેવા અભિવિધ ગુપ્તદાન કરતા. જીવરાજ મ્હેતા હોસ્પિટલના ઉદ્દઘાટન વખતે પણ ‘Charity begins at home’ને તે ન્યાય સૌપ્રતમ તેમણેજ સવા લાખ રૂ નોંધાવેલા. તે ઉપરાંત અનેક આશ્રમોમાં, હરિભક્તિ બાળવાટિકામાં, જ્ઞાતિના તેમજ ધાર્મિક સંસ્થાઓમાં અસંખ્ય દાનો કર્યાં છે. જેની ગણના નથી.આવા પ્રેમાળ, યશસ્વી, દાનેશ્વરી અને અદમ્ય સેવાભાવી હરિભક્તિ કુટુંબનો તેજસ્વી સિતારા ખરી પડ્યા.
આજ દિન સુધીમાં એક પછી એક પ્રસંગો આંખ સામે આવીને આંખમાં આંસુના તોરણો બાંધી દે છે.
આપણે પણ એમના આ સંસાર વારસાને આપણા શુદ્ધ આચાર અને વિચારથી સમૃદ્ધ કરીએ. ‘માનવતા’ ને વધુ ને વધુ ખીલવીએ ત્યારેજ તેમના પ્રત્યેનું સાચું ઋણ અદા કરીશું.