ગમગીની અને ખિન્નતા એવી છે કે કલમ જાણે ચાલતી નથી ! મારા જેવાની આવી મન: સ્થિતિ ,તો આમ સહું પર તો આપત્તિનો પર્વત તૂટી પડ્યો !કઈ રીતે અમારી લાગણી વ્યક્ત કરું ?
પ્રિય ર્ડા. જયંતભાઇની ઓચિંતી અને અકાળ ચિરવિદાય આઘાત જ કૈ છે. એમના અંત્ય – દર્શન કરતાઁ તેમ સ્મશાનભૂમિમાં એમના અગ્નિસંસ્કાર વખતે હૈયું ભરાઈ આવ્યું. બીજે દિવસે બેસણામાં સૌ. પૂર્ણિમાએ અને મેં મૌન આદરાંજલિ અર્પીને , આપ સહુને પણ મૂક દિલસોજી આપી જ હતી.
શુક્રવાર તા. 20 જાન્યુઆરીની સાંજે હૅરાલ્ડ લસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં ખાસ શોક – સભા રાખીને પણ અમે સદગત ડાં. જયંતભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ છેલ્લા 24 વર્શ ઉપરાંતથી લૅસ્કી ઇન્સ્ટિટ્યૂટના આજીવન સભ્ય અને આત્મીયજન રહેતા. સોક્રેટિસ હૉલ ની એ સાંજે હરિભક્તિ પરિવાર પણ સામેલ થતાં. મારું દિલ લાગણીવશ સવિશેષ બન્યું હતું.
સદ્દગત પ્રિય ડૉ. જયંતભાઈ હરિભક્તિ કુશળ સર્જન અને સજ્જન સ્નેહીજન હતા. એમના મોં પરનું સદા સૌમ્ય સ્મિત જેણે એક વાર જોયું તે કદી ભૂલે નહીં ! જયંતભાઈ ખૂબ પરગજુ, પ્રેમાળ અને કર્તવ્યશીલ ઉમદા ડૉક્ટર હતા. સ્થાનિક સ્વરાજ્ય ક્ષેત્રે તેમજ ઉચ્ચ કેળવણીના ઇલાકામાં પણ તેમની સેવાઓ અનેક વિધ અને સંસ્મરણીય હતી અને છે. અમદાવાદે તથા ગુજરાતે એક નામાંકિત નાગરિકની ખોટ અનુભવી છે.
આપ સહુના દુઃખમાં અમે સહુ સહભાગી છીએ.
આ શોક-ક્ષણે, સૌ પૂર્ણિમા અને હું તથા અમારાં સંતાનો સર્વચિ-આરતી -આનંદ ,સૌ.દેવલ -આશુતોષ આપ સહુને દિલસોજી અને ઊંડી સહાનુભૂતિ પાઠવીએ છીએ. મારા પૂજ્ય માતુશ્રી સુશીલાબ્હેન પણ દિલસોજી વ્યક્ત છે.
પરમકૃપાળુ પરમાત્મા સ્નેહીશ્રી વિષ્ણુભાઈને, આપને, ચી. ભાઈ પ્રકાશને, ચી.બેનો શોભા અને કાનન તથા સમસ્ત શોકગ્રસ્ત હરિભક્તિ પરિવારને આ ભારે આંચકો અને અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપો.
આપનાં પૂજ્ય માતુશ્રીનું દુઃખ તો અકથ્ય અને અસહ્ય છે ! એમને અમારાં વંદન સાથે સહહૃદયભરી સાંત્વના !