સ્વ ડૉ. જયંત હરિભક્તિ સાથેના સંસ્મરણો મોકલવા માટે આપે જાહેરાત કરી છે. તે જાણીને મને આનંદ થયો.
ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશનમાં તેઓશ્રી ટ્રસ્ટી હતા. હું પણ છું એટલે સાથે કામ કર્યું છે. ઉપરાંત તેઓ મ્યુ, કોરર્પોરેટરમાં એક વખત ચુંટાઈ આવેલા અને અમદાવાદ શહેરની ખુબ સારી સેવા કરેલી તે નાતે હું પણ તેઓ શ્રીને ઓળખતો હતો.
લાલદરવાજા તેઓ શ્રી પોલીક્લિનીકમાં અસહાય દર્દીના દર્દ તેઓ રોજબરોજ દુર કરતા હતા. તે સમયે મારા યુવાન પુત્ર ચિ. અશોકને દાખલ કરેલો તેઓએ મને જણાવ્યું કે અનુભાઈ તાત્કાલીક ઓપરેશન કરવું પડશે આંતરડું છાતી તરફ વધી ગયું છે. મને શું સમજ પડે? પણ મારા ચિ.ને ભારે અને ન સહેવાય તેવું દુઃખ થતું હતું. તેઓ શ્રી એ સફળ ઓપરેશન કરી મારા પુત્રનો કિંમતી જાન બચાવ્યો હતો. અને તે અંગે ઓળખાણની નાતે જે આપવું હોય તે આપો આ સમયમાં મારે તેમની હોસ્પીટલમાં બે વખત જવું પડતું હતું. તેવામાં તેઓનો મને એક અનોખો અનુભવ થયો તે નીચે પ્રમાણે છે જો હું આવો યાદગાર અનુભવ ન મોકલું તો હું નગુણો કહેવાઉ તેમાં બે મત નથી.
એક ભાઈને પણ ઓપરેશન પેટનું કરેલું અને મરતા મરતા બચી ગયેલો. સ્વ. ડૉ. સાહેબને તે દર્દી ભગવાન માને એક દિવસ હું તે દર્દીના પલંગ પાસે ઊભો હતો. તેવામાં તપાસ અર્થે ડૉ. સાહેબ રાઉન્ડમાં નીકળ્યા અને આ દર્દીને પૂછવા લાગ્યા કે જુઓ ભાઈ હું જે પ્રશ્નો પૂછુ તેના સાચા જવાબો નહીં આપો તો બહું મોટી ફી લઈશ. અને કદાચ ફરીથી પણ આવું ભયંકર દર્દ ઊપડે એટલે સાચી વાત કરજો. તમોને કયા કયા વ્યસનો છે, જે હોય તે કહો. પેલા દર્દીએ બે હાથ જોડીને જણાવ્યું કે ડૉ.સાહેબ હું દરરોજ ત્રણ થી ચાર કપ ચા પીવું છું. સાહેબ સાચું બોલું છુ. પછી ડૉ. સાહેબે કહ્યું કે, જો તારે બીડી, દારૂ, અથવા બીજા કેફી પદાર્થો છોડી દે તો તારી તમામ ફી માફ. અને તદ્દન સાચે કહી દઉં અને જો નહીં છોડીશ તો પાંચ હજાર ફી લઈશ. અને ફરીથી તારે મરવા માટે અહિ જ આવવું પડશે. આટલી વાત કરી ડૉ. ચાલ્યા ગયા. તે સમયે હું એવું સમજ્યો કે ડૉ. દાટી આપે છે. પણ આવી રીતે ઘણા ગરીબ દર્દીઓને કુવ્યસનો છોડાવ્યા છે અને આ ભાઈએ પણ ડૉ. સાહેબ સાથે પ્રતિજ્ઞા કરી કે સાહેબ કોઈ દિવસ કેફી પદાર્થોને નહીં અડુ અને છતા તમે કહો એટલી ફી આપીશ. ડૉ. એ કહ્યું કે એક પાઈ પણ ન જોઈએ. બસ પ્રતિજ્ઞા પાળજો અને તમને હવે કંઈ જ નહિં થાય તેવી દવા કરીશ આવી રીતે ઘણા ભાઈઓને તેઓ શ્રીએ બચાવ્યા છે.
હું ફરીથી એક નિકટના સાથી તરીકે તેઓ શ્રીને શ્રદ્ધાંજલી અર્પુ છું. અને તેઓના આત્માને પ્રભુ ચીરશાંતિ આર્પે તેવી નમ્ર પ્રાર્થના છે.